top of page
Search

ઈ-ફાર્મસી જનતાના આરોગ્ય અને મેડિકલ સ્ટોર માટે ખતરાની ઘંટડી

  • Writer: Sanjay Trivedi
    Sanjay Trivedi
  • Jun 22, 2019
  • 3 min read

ફાર્માસીસ્ટો તરફથી ઉગ્ર વિરોધ દર્શાવવા ગુજરાત ફાર્મસી કાઉન્સિલની બેઠકમાં ખાસ એક્શન પ્લાન ઘડી કઢાયો.

દવાઓનું ઓનલાઈન વેચાણ એટલે કે ઈ-ફાર્મસીઓ મોટાપાયે શરૂ કરવામાટે નીતિનિયમો ઘડી કાઢવા કેન્દ્ર સરકારે તૈયાર કરેલો સૂચિત ડ્રાફ્ટ જનતાના આરોગ્ય તેમજ મેડિકલ સ્ટોર બંને માટે ખતરાની ઘંટડી છે. તેનો અમલ તત્કાળ સ્થગિત કરવામાં આવે અને ફાર્માસીસ્ટોની રજૂઆતોને સાંભળવામાં આવે એવો મત વિવિધ શહેરોના દવા બજારોના અગ્રણીઓએ વ્યક્ત કર્યો હતો. ફાર્માસીસ્ટો તરફથી સૂચિત ડ્રાફ્ટ સામે ઉગ્ર વિરોધ દર્શાવવા રવિવારે અમદાવાદની સિવીલ હૉસ્પિટલમાં યોજાયેલી બેઠકમાં ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલે એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હતો.


આ બેઠકમાં ફાર્મસી કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના સભ્ય અને ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના ફાર્મસી વિભાગના ડીન તથા બોર્ડ ઑફ ગવર્નન્સ સભ્ય ડૉ.સી.એન. પટેલ અને કાઉન્સિલના પ્રમુખ મોન્ટુભાઈ પટેલ તેમજ સભ્યો તથા સલાહકાર સભ્યોએ ચર્ચાવિચારણામાં ભાગ લીધો હતો. બેઠકમાં નોર્થ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશન - મહેસાણા, ગુજરાત સ્ટેટ પંચાયત ફાર્માસિસ્ટ એસોસિયેશનના સુભાષ શાહ, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર સહિતના રાજ્યભરના વિવિધ શહેરોના ફાર્માસીસ્ટોઓ રૂબરૂ તેમજ કાઉન્સિલને પત્રો પાઠવીને ઓનલાઈન ફાર્મસીથી ઊભા થનારા સંભવિત જોખમો વિશેના મંતવ્યો રજૂ કર્યા હતા અને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી બેઠકમાં ગુજરાત ફાર્મસી કાઉન્સિલ તરફથી આપવામાં આવેલા પ્રેઝન્ટેશનના મુખ્ય મુદ્દાઓ વિશે ગઈકાલની બેઠકમાં વિગતવાર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો..


દવાઓના ઓનલાઈન વેચાણમાં વધારો થતાં દેશભરના મેડિકલ સ્ટોર સાથે સંકળાયેલા 50 લાખ લોકોની રોજીરોટી છીનવાઈ જવાનો ભય છે.


એક્શન પ્લાન

બેઠકમાં એવો મત વ્યક્ત કરવામાં આવ્યો હતો કે ઓનલાઈન ફાર્મસીને મંજૂરી આપવાથી વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થશે. દવાઓના ઓનલાઈન વેચાણથી દર્દીઓ જાતે જ પોતાની દવાઓ લેતા થશે જેને સેલ્ફ - મેડીકેશન કહેવાય છે તેનું પ્રમાણ વધશે. દવાની અસરોની જાણકારી ન હોવાથી દર્દીઓના જીવને જોખમ થશે કે દવાઓની આડઅસરોનું પ્રમાણ વધશે. બીજું, પ્રતિબંધિત દવાઓ પણ આસાનીથી ઓનલાઈન ઉપબ્ધ બનતા તેનો દુરૂપયોગ વધશે.દવાઓના ઓનલાઈન વેચાણમાં વધારો થતાં દેશભરના મેડિકલ સ્ટોર સાથે સંકળાયેલા આશરે 50 લાખ લોકોની રોજીરોટી છીનવાઈ જવાનો ભય છે. આ બાબતે માનવ અધિકાર પંચ સમક્ષ રજૂઆત કરવામાં આવશે.


બેઠકમાં સર્વસંમતિથી એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ અન્ય રાજ્યોની ફાર્મસી કાઉન્સિલો સાથે સંકલન કરી વિરોધનો વ્યૂહ ઘડી કાઢશે. દિલ્હીમાં યોજવામાં આવેલી બેઠકમાં ફાર્મસી કાઉન્સિલોને બોલાવવામાં આવી ન હતી, છતાં ગુજરાત કાઉન્સિલે અગમચેતી રાખીને અગાઉથી મંજૂરી મેળવી મહત્ત્વની ચર્ચામાં ભાગ લીધો અને વિરોધ દર્શાવ્યો તે બદલ રાજ્યના ફાર્માસિસ્ટોએ પ્રમુખ મોન્ટુભાઈ પટેલનો આભાર માન્યો હતો.




રજૂઆતના મુદ્દાઓઃ

  • ઈ-ફાર્મસી વધતાં સમગ્ર ફાર્મસી ઉદ્યોગમાં બેકારી વધશે. નાના મેડિકલ સ્ટોરનું અસ્તિત્વ ટકાવી રાખવાનું મુશ્કેલ બનશે. આ બાબતે માનવ અધિકાર પંચ (Human rights)ની સાથે સાથે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ને પણ આ બાબતે ગંભીર રજુઆત કરવા માં આવશે

  • રેડિયો, ટીવી, ઈન્ટરનેટ અને અન્ય પ્રસાર માધ્યમોમાં ઈ-ફાર્મસીની જાહેરખબરો પર પ્રતિબંધ મૂકવામાં આવે

  • ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર આપવામાં આવતી ઓવર ધ કાઉન્ટર (ઓટીસી) દવાઓના લિસ્ટ અને લેબલ સુવ્યવસ્થિત બનાવવા

  • ઈ-ફાર્મસીને બદલે ઈ-પ્રિસ્ક્રીપ્શનનો કન્સેપ્ટ અપનાવો. જેથી એક જ દર્દીના પ્રિસ્ક્રીપ્શનનો વારંવાર ઓનલાઈન અપલોડ કરી તેનો દુરૂપયોગ થવાના બનાવો અટકાવી શકાય. વિકસિત દેશોમાં પણ ઈ-ફાર્મસીને બદલે ઈ-પ્રિસ્ક્રીપ્શનનો કન્સેપ્ટ અપનાવવામાં આવેલો છે.

  • ફાર્માસીસ્ટ ફક્ત દવાના વેપારી બનવાને બદલે ફાર્મા કન્સલ્ટન્ટ બની દર્દીઓને દવાઓના ઉપયોગ તથા અસરો કે આડઅસરો વિશે માર્ગદર્શન આપતા થાય એવી વ્યવસ્થા કરો

  • · ઓનલાઈન દવાઓ કુરિયર કે પોસ્ટથી મોકલવામાં આવે તો તેમાં તાપમાનનું પ્રમાણ જાળવવાની કોઈ વ્યવસ્થા કરાવાની શક્યતા નથી. તેમાં ફાર્મસી પ્રેક્ટિસ એક્ટ અને ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટનો ભંગ થવાની શક્યતા વધશે

  • ઈ-ફાર્મસી રેગ્યુશન માટે ફુલ-પ્રુફ માળખું ઘડાયું નથી ત્યારે તેનો તત્કાળ અમલ અટકાવી યોગ્ય સલાહમસલતો કર્યા પછી જ તે અંગે નિર્ણય લેવો જોઈએ

  • ઓનલાઈન અને ઑફલાઈન દવા વેચાણના માર્જીન અને ડિસ્કાઉન્ટ જેવા પરિબળોને કારણે જોવા મળતી વિસંગતતાઓ દૂર કરવામાં આવે. આ મુદ્દે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસીંગ ઓથોરિટી સાથે બેઠક યોજીને રજૂઆત કરવામાં આવશે.

 
 
 

Comments


bottom of page