ફાર્મસી કાઉન્સિલ ઑફ ઈન્ડિયાનું ડિજીટલ ઈન્ડિયા યુગમાં પદાર્પણ
- Sanjay Trivedi
- Jun 22, 2019
- 2 min read
ફાર્મસી શિક્ષણની તમામ બાબતો આગામી વર્ષથી ઓનલાઈન થઈ જશે.

ફાર્મસી કાઉન્સિલ ઑફ ઈન્ડિયાએ ફાર્મા શિક્ષણ તેમજ ફાર્મસીના વ્યવસાયની ઝડપથી પ્રગતિ થાય તેના માટે હરણફાળ ભરવા અનેક પગલાં લેવાનું આયોજન કર્યું છે. ઉદ્યોગજગતની લેટેસ્ટ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ફાર્મસી શિક્ષણમાં મોટાપાયે ફેરફારો કરવાની યોજના કાઉન્સિલે ઘડી છે. ડિજીટલ ઈન્ડિયાના યુગમાં પદાર્પણ કરીને આગામી વર્ષથી ફાર્મસી શિક્ષણની તમામ બાબતો ઓનલાઈન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. કાઉન્સિલના રાષ્ટ્રીય પ્રમુખ બી.સુરેશે આ માહિતી આપી હતી..
· ઉદ્યોગજગતની લેટેસ્ટ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ફાર્મસી શિક્ષણમાં મોટાપાયે ફેરફારો કરવાની યોજના
· ફાર્માસીસ્ટોના ઉત્કર્ષ માટે કાઉન્સિલ અનેક પગલાં લેશેઃ નિયમનને બદલે સ્વયં-શિસ્ત પર ભાર મૂકતા કાઉન્સિલના રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. બી. સુરેશ
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના ચાંદખેડા કેમ્પસમાં ફાર્મસી કૉલેજોના પ્રિન્સીપાલો અને ડિરેક્ટરો તેમજ મેડિકલ સ્ટોરના સંગઠનોના પ્રતિનિધિઓ તથા ફાર્મા ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને ચર્ચાવિચારણા કરી હતી. તેમણે ફાર્મસી શિક્ષણ તથા ફાર્માસીસ્ટોની સમસ્યાઓ અને પડકારો વિશે જાણકારી મેળવીને વિગતવાર વિચારવિમર્શ કર્યો હતો. તેમણે એવું વચન આપ્યું હતું કે કાઉન્સિલ ફક્ત રેગ્યુલેટરની ભૂમિકા ભજવવા ઉપરાંત હવે ફાર્મસી શિક્ષણ તેમજ ફાર્માસીસ્ટોના કલ્યાણ માટે પણ પગલાં લેશે. અલબત્ત ઈન્સ્પેક્શનો અને મંજૂરીની પ્રક્રિયાઓ યથાવત્ રખાશે, તેની સાથોસાથ સ્વયંશિસ્ત પર પણ ભાર મૂકવામાં આવશે. ફાર્માસીસ્ટો ઉદ્યોગજગતની છેલ્લામાં છેલ્લી હલચલથી વાકેફ રહે તેના માટે રિફ્રેશર કોર્સ ફરજિયાત બનાવવામાં આવ્યો છે.
તેમણે એવી જાહેરાત પણ કરી હતી કે હવે પછી ફાર્મસી શિક્ષણમાં ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવશે. હાલમાં ડેટા અપલોડ કરવાનું અને તેના વેરીફિકેશનનું કાર્ય ચાલી રહ્યું છે. આગામી વર્ષથી ફાર્મસી શિક્ષણને લગતી તમામ બાબતો ઓનલાઈન થઈ જશે. વિદ્યાર્થીઓના એડમિશનથી માંડીને તમામ બાબતોને આમાં આવરી લેવાશે. ફાર્મા શૈક્ષણિક સંસ્થાઓના ફેકલ્ટી મેમ્બરોને ખાસ નંબર ફાળવવામાં આવશે, જે પાસપોર્ટ સમાન બની રહેશે. કોઈ પ્રોફેસર સંસ્થા બદલે તો તેની માહિતીમાં મામુલી પરિવર્તન કરવાથી તમામ જાણકારીમાં ઓટોમેટિક ઓનલાઈન ફેરફારો થઈ જાય એવી વ્યવસ્થા કરવામાં આવશે.
કાઉન્સિલ માને છે કે ઉદ્યોગોની લેટેસ્ટ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમોમાં ધરમૂળથી ફેરફારો કરવા ઉપરાંત કેટલાક નવા વિષયો પણ અમલમાં મૂકવા. નવા વિષયોમાં થ્રી-ડી પ્રિન્ટીંગ અને નેનો ટેકનોલોજી જેવા લેટેસ્ટ વિષયોને આવરી લેવાશે. કાઉન્સિલ માને છે કે દેશભરમાં ફાર્મસીનો એકસરખો અભ્યાસક્રમ રાખવો જોઈએ. વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સેન્ટર ઑફ એક્સેલન્સ સ્થાપીને વિદ્યાર્થીઓમાં પ્રેકટીકલ જ્ઞાન વધારવા પર ભાર મૂકવામાં આવે તેના માટે નેશનલ સ્કૂલ ઑફ ફાર્મસીના કેન્દ્રો શરૂ કરવા વિચારણા કરાશે. હૉસ્પિટલોમાં ઉપયોગી બને એવા ફાર્મ.ડી. કોર્સને માન્યતા આપવા કાઉન્સિલે આરોગ્ય મંત્રાલય સમક્ષ રજૂઆત કરી છે, એમ તેમણે ઉમેર્યું હતું.
બેઠકમાં ફાર્મા શિક્ષણના પ્રતિનિધિઓએ સ્વાયત્તતાનો મુદ્દો ઊઠાવ્યો હતો. તે બાબતે વિચારણા કરવા ડૉ.બી.સુરેશે હૈયાધારણ આપી હતી. બેઠકમાં ઉપસ્થિત જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠે પણ કહ્યું હતું કે ઑલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ)માં ફાર્મસી વિભાગના વડા તરીકે સ્વાયત્તતાના મુદ્દે વિચારણા કરવાની હું ખાતરી આપું છું. ભારત સરકારે તાજેતરમાં જેનરિક દવાઓ લખવા પર ભાર મૂકીને જનઔષધિ કેન્દ્રો ખોલ્યા છે. ગરીબો માટે મેડિક્લેઈમ જેવી સેવા શરૂ કરી છે અને મેડિકલ ડિવાઈસમાં ભાવ નિયંત્રણ લાગુ કર્યા છે. આ બધી બાબતોને કારણે આરોગ્ય સેવાઓ બધાને પરવડે એવી બનશે. એવા સંજોગોમાં ફાર્માસીસ્ટોની જવાબદારી વધી જશે. બેઠકમાં ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ શ્રી મોન્ટુકુમાર પટેલ અને રજીસ્ટ્રાર શ્રી ગિલ્બર્ટ મેકવાન, જીટીયુના બોર્ડ ઑફ ગવર્નન્સના સભ્ય તેમજ ફાર્મસી વિભાગના ડીન ડૉ. સી.એન. પટેલે પણ પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા. .
Comments