ફાર્મસીના વિદ્યાર્થીઓના હિતમાં નોકરી માટેની વેબસાઈટનો શુભારંભ
- Sanjay Trivedi
- Jun 22, 2019
- 3 min read
ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ તરફથી વિશ્વ ફાર્માસીસ્ટ દિવસ નિમિત્તે એક્શન પ્લાન જાહેર, જનજાગૃતિ લાવવા અનેક કાર્યક્રમોનું આયોજન
કમ્પાઉન્ડરને બદલે ફાર્માસીસ્ટનો દરજ્જો આપવા જીલ્લા પંચાયતને આદેશ આપવા હાઈકોર્ટમાં કાઉન્સિલની અરજી
દવાઓનું ઓનલાઈન વેચાણ કરતી ઈ-ફાર્મસી અંગે ઘડાનારા નવા કાયદા માટે કાઉન્સિલ સૂચનો મોકલશે
દવાની દુકાનોમાં હવે ફાર્માસીસ્ટો એપ્રોન અને નામની પ્લેટ સાથે જોવા મળશે
લેટેસ્ટ જાણકારીથી વાકેફ રાખવા ફાર્માસીસ્ટોને રિફ્રેશર કોર્સમાં સૌથી વધુ પ્રમાણમાં સામેલ કરવામાં ગુજરાત મોખરે, નાના શહેરોને પણ આવરી લેવાશે.

ગુજરાત ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલે વિદ્યાર્થીઓ અને ફાર્મા ઉદ્યોગના હિતમાં નોકરીને લગતી ખાસ વેબસાઈટનો શુભારંભ કર્યો છે. તે ઉપરાંત વર્લ્ડ ફાર્માસીસ્ટ ડે નિમિત્તે કાઉન્સિલે મેડિકલ સ્ટોર, ફાર્મા ઉદ્યોગ અને ફાર્મસીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના લાભાર્થે અનેક પગલાં લેવા એકશન પ્લાન ઘડી કાઢ્યો છે.
ફાર્માસીસ્ટોના ઓનલાઈન રજીસ્ટ્રેશન અને લાઈસન્સ રિન્યુ કરવાની પ્રક્રિયા પણ ઓનલાઈન બનાવવામાં આવી છે. જેમાં ઓનલાઈન ફી ચૂકવણીથી માંડીને ફાર્માસીસ્ટ પ્રોફાઈલમાં ફેરફારો કરી શકે એવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
કાઉન્સિલના પ્રમુખ મોન્ટુકુમાર પટેલે પત્રકાર પરિષદમાં એક્શન પ્લાન જાહેર કરતા જણાવ્યું હતું કે નોકરીની આ વિશેષ વેબસાઈટ નોકરી ઈચ્છતા ઉમેદવારો તેમજ નોકરીદાતા ઉદ્યોગજગત માટે અનોખું પ્લેટફોર્મ બની રહે એવા હેતુથી શરૂ કરવામાં આવી છે. તેમાં તમામ ફાર્મા ઔદ્યોગિક એકમો, ચેઈન સ્ટોર, દવાની દુકાનો, હૉસ્પિટલો, અન્ય કંપનીઓ વગેરે નિઃશુલ્ક રજીસ્ટ્રેશન કરાવીને પોતાની જરૂરિયાત મુજબ નોકરીવિષયક માહિતી મૂકી શકશે. એવી જ રીતે ફાર્માસીસ્ટો પોતાનો બાયોડેટા વેબસાઈટ http://gujaratpharmacycouncil.org/gspc_job_portal.php પર નિઃશુલ્ક મૂકી શકશે.
ઈ - ફાર્મસી માટેના નિયમો
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી દવાઓના ઓનલાઈન વેચાણ કરતી ઈ - ફાર્મસી માટેના નિયમો ઘડી કાઢવા માટેનો ડ્રાફ્ટ 28 ઓગસ્ટ 2018 ના રોજ જાહેર કરવામાં આવ્યો છે. કામ છેલ્લે તેમાં સલાહ-સૂચનો અને વાંધાવિરોધ ની વિગતો મોકલવાનો નિર્ણય લીધો છે તેના માટે રાજ્યની પ્રતિષ્ઠિત ફાર્મસી સંસ્થાઓના પ્રિન્સિપાલ, ડાયરેક્ટર અને ડીનને સલાહ-સૂચનો મોકલવા અનુરોધ કરવામાં આવ્યો છે. તેઓ પોતાના સલાહ-સૂચનો કાઉન્સિલને 29મી સપ્ટેમ્બર સુધીમાં ઈમેલ વડે (pharmacy-guj@nic.in) મોકલી શકશે.
એક્શન પ્લાન
1. કાઉન્સિલનું ડિજીટલાઈઝેશન
2. નાના શહેરોમાં રિફ્રેશર કોર્સ શરૂ કરવા
3. દવા માહિતી કેન્દ્ર
4. ફાર્માસીસ્ટ રજીસ્ટ્રેશન કેમ્પ અને માર્ગદર્શન શિબિરો
5. બીમારીઓની સરળ ભાષામાં જાણકારી આપતી પરિચય પુસ્તિકાઓનું પ્રકાશન
6. રાષ્ટ્રીય ફાર્મસી સપ્તાહ
કમ્પાઉન્ડરને બદલે ફાર્માસીસ્ટનો દરજ્જો આપવા જીલ્લા પંચાયતને આદેશ આપવા હાઈકોર્ટમાં કાઉન્સિલે અરજી કરી છે જેની સુનાવણી ચાલુ છે.
જનજાગૃતિ અભિયાન
કાઉન્સિલે વર્લ્ડ ફાર્માસીસ્ટ ડે નિમિત્તે જનજાગૃતિ લાવવા પોસ્ટરો સાથે રેલીઓ યોજવાનું નક્કી કર્યું છે, જેમાં ફાર્મસી કૉલેજોના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોને આવરી લેવામાં આવશે. ફાર્માસીસ્ટોના ઓનલાઈન રજીસ્ટ્રેશન અને લાઈસન્સ રિન્યુ કરવાની પ્રક્રિયા પણ ઓનલાઈન બનાવવામાં આવી છે. જેમાં ઓનલાઈન ફી ચૂકવણીથી માંડીને ફાર્માસીસ્ટ પ્રોફાઈલમાં ફેરફારો કરી શકે એવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તે ઉપરાંત કાઉન્સિલ દવાની દુકાનોમાં ફાર્માસીસ્ટ એપ્રોન અને નામની પ્લેટ ધારણ કરે એવો આગ્રહ રાખશે, જેથી પ્રોફેશનલ લુક લાગે, એમ કાઉન્સિલની એક્ઝીક્યુટીવ કમિટીના સભ્ય અને બારડોલીની મલીબા ફાર્મસી કૉલેજના પ્રાધ્યાપક ડૉ. શ્રીકાન્ત જોશીએ જણાવ્યું હતું.
ફરજીયાત રિફ્રેશર કોર્સ
ફાર્માસીસ્ટો મેડિકલ અને ફાર્મા ક્ષેત્રના લેટેસ્ટ પ્રવાહોથી સુમાહિતગાર રહે તેના માટે રિફ્રેશર કોર્સ ફરજીયાત બનાવવામાં આવ્યો છે. આવી તાલીમ સૌથી વધારે પ્રમાણમાં આપીને ગુજરાત મોખરે રહ્યું છે. વર્ષ 2005થી 2008 દરમિયાન કુલ 36,493 ફાર્માસીસ્ટોને આવી રિફ્રેશર તાલીમ આપવામાં આવી છે. કાઉન્સિલે અત્યાર સુધી મોટા શહેરોની ફાર્મસી કૉલેજોમાં આવી તાલીમની વ્યવસ્થા કરી હતી. હવે તેમાં નાના શહેરોને પણ આવરી લેવામાં આવશે, એમ કાઉન્સિલના ખજાનચી હિતેશ ભુરીયાએ જણાવ્યું હતું.
દવા માહિતી કેન્દ્ર
બજારમાં મૂકવામાં આવતી નવી નવી દવાઓની જાણકારી જાહેર જનતા અને ફાર્માસીસ્ટોને મળતી રહે તેના માટે કાઉન્સિલ તરફથી દવા માહિતી કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. તેમાં આરોગ્ય કેન્દ્ર જેવી સુવિધા ઉપરાંત રિફ્રેશર કોર્સ ચલાવવામાં આવશે. તે ઉપરાંત આરોગ્યને લગતું મુખપત્ર શરૂ કરવામાં આવશે. દર્દીઓને વિવિધ પ્રકારની દવાઓની માહિતી ઉપલબ્ધ બનાવવામાં આવશે. કાઉન્સિલ તે કેન્દ્રના માધ્યમથી ફાર્મકોવિજીલન્સ પ્રવૃત્તિઓ પણ હાથ ધરશે.
ફાર્મસીના નિયમોનું પાલન
ફાર્મસી એક્ટ, 1948ની જોગવાઈઓનું પાલન થાય તેના માટે કાઉન્સિલ તરફથી અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. તે નિયમ હેઠળ ફાર્માસીસ્ટનું લાઈસન્સ ભાડે લઈને દવાની દુકાન ચલાવવામાં આવતી હોય અને ફાર્માસીસ્ટ બીજી કોઈ કંપનીમાં નોકરી કરતો હોય તો તેવા પાંચ લાઈસન્સ પાંચ વર્ષ માટે રદ્દ કરવા સહિતના પગલાં લેવામાં આવ્યાં છે. ફાર્મસીની ડિગ્રી ગેરકાયદે મેળવવામાં આવી હોય. એવા કેસોની સીબીઆઈ તપાસની માગણી પણ કરવામાં આવી છે. તે ઉપરાંત ફાર્મસી કાઉન્સિલ ઑફ ઈન્ડિયા, ઑલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન અને યુજીસીની મદદ પણ માગવામાં આવી છે. .
Comments